banana profit
આ ઋતુમાં આમ્રફલની વિદાય સાથે કદલીફલનું આગમન થાય છે. કદલીનો અર્થ તો જાણો છો ને? કદલી એટલે કેળ અને તેનું ફળ તે કેળું. આપણાં સૌથી સસ્તા, સુલભ અને પૌષ્ટિક ફળોમાં કેળાની ગણતરી કરી શકાય.
આપણાં દેશમાં સર્વત્ર થતા આ ફળના અનેક ગુણ કર્મો અને તેના ઔષધીય પ્રયોગો આયુર્વેદના ગ્રંથોમાં આપવામાં આવ્યાં છે. પરંતુ અહીં વિસ્તાર ભયથી એ બધાનું નિરુપણ શક્ય ન હોવાથી માત્ર કેળાંના ગુણકર્મો અને તેનાં બેચાર પ્રયોગોનું જ નિરુપણ આ લઘુ લેખમાં કરીશ.
કેળાંમાં કાર્બોહાઇડ્રેટ પ્રચૂર માત્રામાં લગભગ ૨૫ ટકા જેટલું રહેલું છે. જે શક્તિ – પોષણની દૃષ્ટિએ ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. આ સિવાય તેમાં સોડિયમ, પોટાશિયમ, આયર્ન, તામ્ર, કેલશ્યમ, મેગ્નેશ્યમ, મેંગેનિઝ અને ફોસ્ફરસ જેવાં ક્ષારીય અને ખનીજ તત્ત્વો પણ રહેલાં હોય છે. તેમાં રહેલ લોહતત્ત્વ અને તામ્રતત્ત્વથી લોહીની વૃદ્ધિ થાય છે. જેમની પાચનશક્તિ સારી હોય અને પોતાની પ્રકૃતિને કેળાં નડતાં ન હોય, તેમણે આ ઋતુમાં પ્રતિદિન એકથી બે કેળાં ખાવા જોઈએ. આયુર્વેદિય મતે કેળાં ગુરુ, સ્નિગ્ધી, મધુર ગ્રહી, મેધ્ય, રોચક અને કફકારક છે. તે કફકારક હોવાથી વરાધવાળા બાળકોએ અને દમ, શ્વાસ, શરદી- સળેખમ અને ઉધરસવાળા દર્દીઓએ તેનો ઉપયોગ કરવો નહીં.
પ્રયોગો
(૧) બંગાળમાં ખૂબ જ પ્રચલિત એક પ્રયોગનું નિરુપણ કરું છું. સંગ્રહણી અતિસાર કે જૂના મરડાનો હુમલો થાય ત્યારે સૌથી પહેલાં બે પાકા કેળાં તેનાથી ચોથા ભાગની બીજ વગરની જૂની આમલી અને એટલો જ ગોળ મિક્સ કરી, તેના ત્રણ ભાગ કરી, દર અડધા કલાકે આપવામાં આવે તો સારું પરિણામ મળે છે.
(૨) લીલા એટલે કે કાચા કેળાંને સારી રીતે બાફી લેવા. પછી તેમાં થોડું દહીં અને સાકર નાંખીને લેવામાં આવે તો તે સંગ્રહણી અને વારંવાર થતાં ઝાડામાં ખૂબ જ હિતાવહ અને પથ્ય છે.
(૩) આપણે ત્યાં ૭૦ ટકા સ્ત્રીઓને ‘શ્વેતસ્રાવ’ એટલે કે સફેદ પાણી પડવાની તકલીફ હોય છે. તેમણે આ પ્રયોગ ડાયરીમાં નોંધી લેવા જેવો છે. શ્વેત સ્રાવનો બીજો અર્થ થાય શરીર ધોવાવું અથવા લ્યુકોરિયા. જેમને આ તકલીફ સતત રહેતી હોય કે, વારંવાર થતી હોય, તેમણે પોતાની પાચનશક્તિ પ્રમાણે લીલી છાલના પાકા કેળાનો આ પ્રમાણે પ્રયોગ કરવો.
કમળકાકડીનાં મીંજ ૧૦૦ ગ્રામ, સફેદ મૂસળી ૧૦૦ ગ્રામ, અશ્વગંધા ૭૫ ગ્રામ, શતાવરી ૭૫ ગ્રામ, ચોપચીની ૨૫ ગ્રામ અને એલચી ૨૦ ગ્રામ આ છએ ઔષધોને ખૂબ ખાંડી વસ્ત્રગાળ ચૂર્ણ બનાવી કાચની એક સ્વચ્છ બાટલીમાં ભરી લેવું.
એક પાકું કેળું છાલ સોતું ચીરી, તેમાં એકથી દોઢ ચમચી આ ચૂર્ણ ભરી દેવું. જો આટલું ચૂર્ણ એક કેળામાં ન આવે તો બે કેળામાં ભરવું. કેળાંમાં ઔષધ ભર્યાં પછી બે કલાકે તેની છાલ કાઢી નાખી સવારે નરણાંકોઠે અને રાત્રે સૂતી વખતે તેને ખૂબ ચાવીને ખાવામાં આવે તો એકાદ મહિનામાં આ શ્વેતસ્રાવની તકલીફ મટે છે.
શ્વેતસ્રાવની તકલીફવાળી સ્ત્રીઓને કબજિયાત રહેતી હોય છે. આવી સ્ત્રીઓએ રાત્રે સ્વાદિષ્ટ વિરેચન ચૂર્ણ, હિમેજ, હરડે કે ત્રિફળા ચૂર્ણ અડધીથી એક ચમચી જેટલું લેવું અને સવારે મળ પ્રવૃત્તિ થયા પછી આ પ્રયોગ કરવો.
(૪) ઘણાં બાળકોને માટી ખાવાની ટેવ પડી જાય છે. આવા બાળકને જો અડધા કેળામાં ચીરો કરી તેમાં ચણાના એક દાણા જેટલી લોહભસ્મ અને શંખભસ્મ મિશ્ર કરી મૂકી રાખો. એકાદ કલાક પછી આ કેળું ખાવા આપવું. પંદરથી પચ્ચીસ દિવસ આ પ્રયોગ કરવાથી બાળક માટી ખાવાનું ભૂલી જશે.