story of fentalend
એક સમયે રાજા કેતન ફૅન્ટાલેન્ડ પર રાજ કરતો હતો. તેને બાર દીકરીઓ હતી. તેમને માટે બાર- બાર રાજકુમારો શોધવાનું કામ કપરું હતું. કેતને આજુબાજુના બધા રાજવીઓને પત્ર લખ્યા, “તમારા કુમારોને મારે ત્યાં મોકલો. રોજ રાત્રે મિજબાની અને નૃત્ય થશે. મારી કોઈ પણ દીકરી તમારા દીકરાને પસંદ કરશે તો તે મારો જમાઈ થશે.”કેટલાય કુમારો ફૅન્ટાલેન્ડ આવ્યા. તેઓ મજેદાર ભોજન માણતા અને બારેય રાજકુમારીઓ સાથે નૃત્ય કરતા. કુંવરીઓ આખી રાત નાચતી પણ કોઈ કુમારને પસંદ કરતી નહીં. તેઓ માનતી, “પરણ્યા પછી આ રીતે આટલું બધું નાચવાનું અને મજા માણવાનું શક્ય નથી.”
આમને આમ રાજા મિજબાની અને ભોજનથી કંટાળી ગયો. તેણે બધા રાજકુમારોને રવાના કરી દીધા. તેણે તેની દીકરીઓને કહી દીધું કે તેઓએ રોજ રાતે દસ વાગ્યે સૂઈ જવું. તેણે એમ પણ કહ્યું, “હવે હું તમારાં (રોજ રોજ) નવાં વસ્ત્રો અને બાર-બાર જોડી પગરખાં પર ખર્ચ કરવાનો નથી.”
આ બારેય કુંવરીઓ એક મોટા શયનખંડમાં બાર પથારીઓ પર સૂતી. તેમને એક દાસી હતી. તે તેમની સંભાળ લેતી. તે દરેકને દૂધનો એક- એક ગ્લાસ આપીને શુભરાત્રિ ઇચ્છતી.
રોજ સવારે દાસી તેમને જગાડતી. દાસી હંમેશા કુંવરીઓનાં વસ્ત્રો થોડાં મેલાં થયેલાં અને પગરખાં ઘસાઇ ગયેલાં જોતી. આવું વારંવાર બનતું હતું. તેથી દાસીએ રાજાને પગરખાંની બાર જોડીઓ દેખાડી. “હજૂર, રોજ રાત્રે હું તાળું મારી દઉં છું. પણ કુંવરીઓ ક્યાંક બહાર જઈને નાચે છે. હું તેમને પૂછું છું તો તેઓ હસી કાઢે છે. શું કરવું એ મને સમજાતું નથી.”
રાજાને એક વિચાર આવ્યો. તેણે ફૅન્ટાલેન્ડમાં ગામડાંઓમાં સૈનિકોને મોકલ્યા. તેમણે જાહેરાત કરી, “રાજા કેતન એક રહસ્ય શોધી કાઢવા માગે છે. રાજકુંવરીઓ રાતે ક્યાંક બહાર જાય છે. જે કોઈ આ રહસ્ય ત્રણ દિવસમાં શોધી આપશે તે (કોઈ) એક કુંવરીને પરણી શકશે.”
કેટલાય જવાનિયાઓએ પ્રયત્ન કર્યો. ત્રણ ત્રણ મહિના વીતી ગયા પણ કુંવરીઓ ક્યાંક જતી જ હતી. અને રોજ સવારે તેમનાં પગરખાં ઘસાઇ જતાં. રાજાને રોજ રોજ પગરખાંની બાર- બાર જોડી ખરીદવી પડતી હતી. આ રહસ્ય કોઈ કળી શક્યું નહીં.
એક દિવસ એક અજાણ્યો માણસ ફૅન્ટાલેન્ડ આવ્યો. તે જંગલમાંથી જઈ રહ્યો હતો. તેણે બળતણ વીણતી એક સ્ત્રીને જોઈ. તેણે સ્ત્રીને મદદ કરી. સ્ત્રીએ તેનો આભાર માન્યો અને કહ્યું, “તું સરસ મજાનો જુવાન છે. તું કોણ છે? હું તને કાંઈ મદદ કરી શકું?”
“મારું નામ અશોક છે. હું પાસેના દેશ ડ્રીમલેન્ડથી આવું છું. હું સુથારનો દીકરો છું. મેં રાજા કેતનની કુંવરીઓ વિશે સાંભળ્યું છે. તમે મને રહસ્ય શોધી કાઢવામાં મદદ કરી શકો?”
તે વૃદ્ધ સ્ત્રીએ થોડીવાર તેની આંખો બંધ કરી, “હંઅઅ… હું સમજી ગઈ.” તેણે કહેવા માંડયું. “કુંવરી તને કંઈક દવા ભેળવેલો રસ પીવા આપશે. તું એ રસ પીતો નહીં. નહીંતર તું પણ ઊંઘી જઈશ. અને આ ત્રણ જાદુઇ બિયાં છે તું એક બિયું ખાઇશ પછી છ કલાક સુધી તને કોઈ જોઈ શકશે નહીં.”
અશોકે બિયાં લીધાં. વૃદ્ધાનો આભાર માન્યો અને રાજમહેલની વાટ પકડી.
સાંજે તેને કુંવરીઓના શયનખંડની બાજુના રૃમમાં લઈ ગયા. થોડીવાર પછી મોટી કુંવરી એસ્પોરા આવી અને તેને રસનો એક ગ્લાસ આપ્યો, “આ પી, તેથી તને રાત્રે ઊંઘ નહીં આવે.” તે હસી પડી અને પછી ચાલી ગઈ.
તેણે રસ બાગમાં ઢોળી દીધો. અને મોટા શયનખંડના દરવાજાની પાસે ઊભો રહ્યો. જાદુઇ બી લઈને તે તૈયાર થઈ ગયો હતો. તેણે બી ખાધું. દાસી જ્યારે શયનખંડમાંથી બહાર આવી રહી હતી, ત્યારે તે શયનખંડમાં સરકી ગયો. દાસીએ શયનખંડ બંધ કર્યો અને ચાલી ગઈ. અશોક અંદર જ હતો પણ તેને કોઈ જોઈ શકતું નહોતું.
મોટી કુંવરી ઊભી થઈ અને કહ્યું, “હવે પેલો માણસ ઊંઘતો હશે. આપણે તૈયાર થઈને જઈએ.” તેમણે સુંદર વસ્ત્રો અને નવાં પગરખાં પહેર્યાંં. તેમણે એક પથારી ખસેડી. એક છૂપી બારી ખોલી અને બહાર કૂદી ગઈ. અશોક પણ એ બારીમાંથી બહાર કૂદી ગયો.
તેઓ ઝડપથી ચાલીને નદીએ પહોંચી ત્યાં બાર હોડીઓ હતી અને દરેક હોડીમાં એક- એક રૃપાળો યુવાન રાજકુમાર હતો. અશોક પણ એક હોડીમાં ચડી ગયો. પણ કોઈને તેની ખબર પડી નહીં. તેઓ નદીની સામે પાર ગયાં. સામે કાંઠે રજતવન હતું. અહીં બધાં જ છોડ અને ઝાડનાં પાંદડાં રૃપેરી હતાં. અશોકે થોડાં પાંદડાં લઈને તેનાં ખિસ્સામાં મૂકી દીધાં. બધી કુંવરીઓ રાજકુમારો સાથે રાતભર નાચી. ભળકડું થાય તે પહેલાં બારેય કુંવરીઓ અને અશોક શયનખંડમાં પાછાં આવી ગયાં. દાસી જ્યારે કુંવરીઓને જગાડવા આવી ત્યારે અશોક બહાર નીકળી ગયો.
બીજી રાતે અશોકે બીજું બિયું ખાધું અને નીરવ પગલે અંદર પેસી ગયો. એ જ પ્રસંગ બન્યો. આ વખતે તેઓ સુવર્ણ વનમાં ગયા. અશોકે થોડાં પાંદડાં લઈ લીધાં અને ખિસ્સામાં મૂક્યાં. ત્રીજી રાત્રે અશોકે છેલ્લું જાદુઈ બી ખાઈ લીધું તરત જ તે અદૃશ્ય થઈ ગયો. એ રાત્રે તેઓ એક રાજમહેલમાં ગયા અને રાજકુમારો સાથે નાચ્યાં અને સોનાનાં પ્યાલામાં રસ પીધો. અશોકે સોનાના બે પ્યાલા સાથે લઈ લીધા.
ચોથે દિવસે અશોક રાજા કેતન પાસે ગયો. તેણે કહ્યું, ‘મેં રહસ્ય શોધી કાઢયું છે. તમારી દીકરીઓને બોલાવો અને હવે તમારી કુંવરીઓ માટે નવાં પગરખાં ખરીદશો નહીં.”
રાજાએ કુંવરીઓને દરબારમાં બોલાવી. અશોકે પોતાના ખિસ્સામાંથી રૃપેરી અને સોનેરી પાંદડાં અને સોનાનાં બે પ્યાલા કાઢયા. તેણે એ રાજાને અને દરબારીઓને દેખાડયા. બારે કુંવરીઓ હસી પડી અને બોલી, “તેં રહસ્ય શોધી કાઢયું પણ તેં આ કેવી રીતે કર્યું? અને હે મોહક યુવક. તારું નામ શું?” મોટી કુંવરીએ પૂછયું, “હું અશોક છું. ડ્રીમલેન્ડથી આવું છું.” એમ કહી તેણે આખીય વાત કહી દરેકે આ જુવાનના વખાણ કર્યાં. રાજાએ કુંવરીઓ સામે જોયું. નાની બોલી, “હા પિતાજી, અશોકની વાત ખરી છે પણ અમને નાચવું અને મોજ કરવાનું ગમે છે. અમે એ રજત અને સુવર્ણવનમાં અને એ ભવ્ય મહેલમાં જઈ શકીએ? અમે એ કુમારો સાથે નૃત્ય કરી શકીએ?”
“હા,” રાજાએ કહ્યું, “પણ હવે હું રોજ અગિયાર જોડી જ પગરખાં ખરીદીશ. પહેલાં તો તમારામાંથી કોઈ એકે આ યુવાનને પરણવું પડશે.”
“હું એસ્પોરાને મારી પત્ની તરીકે પસંદ કરું છું.” અશોકે કહ્યું. બધા દરબારીઓએ હર્ષનાદ સાથે તાળીઓ પાડી. બીજે દિવસે ભવ્ય સમારંભમાં તે મોટી કુંવરીને પરણી ગયો.
કેતનના અવસાન પછી અશોક ફૅન્ટાલેન્ડનો રાજા બન્યો. કારણ કે રાજાનો તે સૌથી મોટો જમાઈ હતો